કુલ ૧૨૦૦ પાનાંનો આ અહેવાલ પંચના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ જી.ટી. નાણાવટી અને જસ્ટિસ અક્ષય મહેતાએ મંગળવારે ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને સુપરત કર્યો હતો.
આ રમખાણોની તપાસ માટે તત્કાલીન નરેન્દ્ર મોદી સરકારે તપાસ પંચની નિમણૂક કરી હતી અને તેના વડા તરીકે નિવૃત્ત જસ્ટિસ જી.ટી. નાણાવટીની નિમણૂક કરી હતી.
આ તપાસ પંચને છેલ્લા ૧૨ વર્ષમાં ૨૪ વખત એક્સટેન્શન મળ્યું હતું અને છેલ્લા ૨૫મા એક્સટેન્શન પછી તેમને નવું એક્સટેન્શન નહીં મળે તેવું જણાવાતાં પંચે પોતાનો અહેવાલ પૂર્ણ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ અહેવાલમાં જસ્ટિસ પંચે અનેક બાબતોને આવરી લીધી છે. આ તપાસ દરમિયાન પંચે કુલ ૪૬૪૯૪ લોકોના નિવેદન નોંધ્યા હતા. જેમાંથી ૨૦૧૯ જેટલા સરકારી કર્મચારીઓ અને ૪૪ હજારથી વધુ સામાન્ય લોકો હતા.
પંચે પોતાની પ્રાથમિક તપાસનો પ્રથમ અહેવાલ સપ્ટેમ્બર-૨૦૦૮માં સરકારને સુપરત કર્યો હતો, જે ૧૬૮ પાનાંનો હતો અને તેમાં ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના બોગી નંબર એસ ૬માં ૫૯ કારસેવકોને જીવતા સળગાવી દેવાની ઘટનાને અગાઉથી આયોજીત ગણાવાઈ હતી. જો કે આ અહેવાલમાં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી કે રાજ્યના અન્ય કોઇ પ્રધાનની સંડોવણી ખૂલી નથી તેવું પણ સ્પષ્ટ જણાવાયું હતું.
આ પછી અત્યાર સુધીમાં પંચને સમયાંતરે કુલ ૨૪ એક્સટેન્શન આપવામાં આવ્યા હતા. આ પંચમાં જસ્ટિસ નાણાવટીની સાથે જસ્ટિસ કે.જી. શાહની નિમણૂક થઇ હતી પરંતુ ૨૦૦૯માં તેમનું મૃત્યુ થતાં તેમના સ્થાને જસ્ટિસ અક્ષય મહેતાની નિમણૂક થઇ હતી. પંચે આ અહેવાલમાં કઇ-કઇ મુખ્ય બાબતોને ઉજાગર કરી છે તે અંગે અત્યારે જાણવા મળ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અહેવાલની વિગતો હવે પછી બહાર આવશે.